નમસ્કાર મિત્રો! મારી વેબસાઈટની મૂરતનો આ પહેલો બ્લોગ છે. અને હું બ્લોગ પણ પહેલો જ લખું છું. એટલે આપણે કાંઈ લેખક નથી; નથી એવું કાંઈ લખતા આવડતું. પણ લખવાની વાત આવી છે એટલે થોડી મોકળાશ લઈને માંડીને વાત કરું, કારણકે અહીંયા કાંઈ અમુક મિનિટનો વીડિયો કે રીલ કે એવું તો કાંઈ છે નઈ! આપણા લોક-સંગીત અને સાહિત્યને દુનિયા અને ખાસ કરીને યુવાનો સમક્ષ કાંઇક અલગ અને હટકે રીતે રજૂ કરવા અને એના સદીઓથી વહેતા ખળખળ ઝરણાંમાં બધાયને માથાબોળ નવડાવીને એમાં રસતરબોળ કરવા હમણાં જે એક-દોઢ વરસથી હું મારી આખી ટીમ સાથે ગુજરાતી લોકસંગીતના કોન્સર્ટ કરી રહ્યો છું, એ રોલરકોસ્ટર રાઈડની મુસાફરીની વાત કરું આજે આપ સૌ સાથે. વિસ્તારથી…
The Seed of Inspiration
હું જ્યારે ચાર વર્ષનો હતો ત્યારે મારા પિતા મને મારા ગુરુજી પાસે લઇ ગ્યા. ગુરુ શ્રી નારાયણસિંઘજી. પોતે પંજાબી હતા અને ઈ સમયે કાંઇક એમની ઉંમર લગભગ ૮૫ વર્ષને આળેગાળે હતી. હવે ચાર વર્ષનાં બાળકને કોઇ કાંઈ શીખવાડે નહીં, પણ મારા એક પિતરાઈ ભાઈનું હાર્મોનિયમમાં હું ખૂબ મથતો, અને ધીમે ધીમે રામ ધૂન ને એવું બધું વગાડતો અને ગાતો. એટલે મારા મોઢે કાલીઘેલી ભાષામાં રામધૂન સાંભળીને મને ગુરુજીએ ભાતખંડે શાસ્ત્રીય સંગીતની તાલીમ આપવાનું શરૂ કર્યું. પણ મારું આકર્ષણ તો લોકસંગીત જ હતું. ઘરે માહોલ કાઠિયાવાડી, ઘરમાં વર્ષોથી રામાયણનો સત્સંગ, પૂજ્ય નારાયણ બાપુનાં ભજનો વાગે અને ખાસ શેત્રુજીનું પાણી અને મારી જનમભોમકાનો પ્રતાપ જે સમજો તે, પણ સાત વર્ષની ઉંમરથી મે લોકસંગીતના લોકડાયરા અને પછી ગરબાનાં વિવિધ કાર્યક્રમો કરવાનું શરૂ કરી દીધું.

કમનસીબે હું વધારે સમય શાસ્ત્રીય સંગીતની અને ગાયકીની તાલીમ ના લઇ શક્યો, પણ લોકડાયરાના સ્ટેજ ઉપર પ્રેક્ટિકલી શીખીને, વડીલોને સાંભળીને, ભજન-સંતવાણી અને લોકસંગીતનાં દિગ્ગજ મહારથીઓ સાથે સ્ટેજ શેર કરીને, હું શીખતો ગયો, અને ગાતો ગયો. વળી મને પહેલેથી જ સાહિત્યનો શોખ એટલે મારી વક્તૃત્વ કળા અને વાકછટાં થોડીક સારી હતી, એટલે હું પહેલેથી જ ગાવાની સાથે સાથે હળવી રીતે કોઇ વાતને સમજાવવાનો કે પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરતો, અને થોડું થોડું હાસ્ય રસ પણ પીરસતો.

કચ્છ-માંડવીના એક ડાયરાના કાર્યક્રમની વીડિયો ક્લિપ્સ મારા એક લંડનમાં રહેતા ભાઈએ યુ-ટ્યૂબમાં અપલોડ કરી જે કાર્યક્રમને કરોડો લોકોએ જોયો અને વધાવી લીધો. ત્યારે મને ઈન્ટરનેટ તો શું, કોમ્પ્યુટરમાં પણ કાંઈ ખબર ન પડે. યુ-ટ્યૂબનાં શરૂવાતનાં સમયગાળાની આ વાત છે. ઘણાં સંતવાણીના કે લોકડાયરાના કાર્યક્રમોમાં મને મજા આવતી તો હું મંજીરા પણ વગાડતો. પછી હું બેન્જો વગાડતા પણ શીખ્યો. ટૂંકમાં, બાળપણથી લોકસંગીત પ્રત્યેનો પ્રેમ, પરમાત્માની કૃપા, વડીલોના આશીર્વાદ, અને આપ સૌના પ્રેમ થકી લોકડાયરાના હજારો કાર્યક્રમો કર્યા, ભારતના વિવિધ રાજ્યોથી માંડીને અમેરિકા, ન્યુઝીલેન્ડ સુધી લોકસંગીતને લુટાવ્યું.
The Break and Comeback
ગુરુજીએ પહેલાથી જ એક વાત ઉપર જોર મૂક્યું હતું કે ભણતરનાં ભોગે કાંઈ નહીં કરતો, સરખું ભણી લેજે. અને મારા માતા-પિતા બંને શિક્ષણ ક્ષેત્રમાં હોવાથી એન્જિનિયરિંગના અભ્યાસ માટે મે લગભગ દસેક વર્ષ પછી કાર્યક્રમોમાથી બ્રેક લીધો. એન્જિનિયરિંગના અભ્યાસ દરમિયાન હું દેશ-વિદેશના વિદ્યાર્થીઓ સાથે શીખ્યો, ભણ્યો, કામ કર્યું અને ઘડાયો. ગ્લોબલ મ્યુઝિકથી હું માહિતગાર થયો. અને ખાસ કરીને યુવાનોને આ બદલાતા જતા ટેક્નોલોજિકલ સમયમાં કેવું મ્યુઝિક સાંભળવું ગમે તથા નવા નવા સાઉન્ડ્સ વગેરેની થોડી સમજ કેળવી. હજુ એક વર્ષ ગ્રેજ્યુએશનને બાકી હતું અને મેં બિઝનેસ ક્ષેત્રમાં ઝંપલાવી દીધું. કારણકે કલાકાર અને કાઠિયાવાડી જીવ એટલે સ્વતંત્રતાથી વધારે જીવનમાં કાંઈ અગત્યનું નથી એ સમજાય ગયુ હતું. એટલે બે સારી નોકરીની ઓફરનો મે સવિનય અસ્વીકાર કર્યો. છેક કોવિડની પહેલી લહેર સુધી મેં વિવિધ બીઝનેસના અલગ અલગ ક્રિએટિવ અખતરાઓ કર્યા. અને અમુક જગ્યાએ ખુબ સફળ પણ થયો. અને હજુ પણ ક્યારેક મારા ધર્મપત્નીનાં બિઝનેસમાં હું સમય આપું છું. પણ કોવિડના શરૂવાતના સમયમાં મને એવું સમજાણુ કે મને કુદરતે આપેલી અમૂલ્ય ભેટ રૂપી કળા અને લોકસંગીતના મારા પ્રેમને દુનિયા સમક્ષ ફરીથી રજૂ કરવી જોઈએ. અને અસ્તિત્વ એ દિશામાં આપોઆપ મને વાળતું ગયું.
પણ એક વાત નક્કી હતી અને એ હેતુ સાફ હતો કે આપણાં લોકસંગીત અને લોકસાહિત્યને પારંપારિક પદ્ધતિથી અલગ અને ક્રિએટિવ રીતે, યુવાનોને સાંભળવુ ગમે અને સમજાય એવા સાઉન્ડ્સ સાથે પ્રેઝન્ટ કરવું. રેકોર્ડિંગ અને સાઉન્ડ એન્જિનિયરિંગનો અભ્યાસ નહોતો કે નહોતું કાંઇ આવડતું, પણ વળી પાછું પહેલાની જેમ પ્રેક્ટિકલી શીખીને, મિત્રો, વડીલો સાથે દિવસ રાત કામ કરીને મે આપણા લોકગીતોને રી-ક્રિયેટ કરવાની શરૂવાત કરી. અને અલગ દુનિયામાં પગ મૂક્યો અને શીખવા માટે અને કાંઇક નવુ કરવા માટેનો દરિયો દેખાણો. આપણાં દેશનાં અમૂલ્ય કલાકારો અને ટેલેન્ટ સાથે કામ કરવાનો અને શીખવાનો અવસર પ્રાપ્ત થતો ગયો.

The Vision
પછી મારા હૃદયમાં અને મગજમાં એક વિચાર કાયમ દોટુ દેતો કે જેમ વેસ્ટર્ન અને બોલીવુડના કોન્સર્ટમાં આપણા યુવાનો વાઈબ કરે છે, તો મારે પણ મારા લોકસંગીતને એમના સુધી કાંઇક એવી રીતે લાઇવ પરફોર્મ કરવું છે કે આપણી યુવા પેઢી, આપણી ભાષાનાં, આપણી માટીના ગીતો ઉપર વાઈબ કરે. અને એમાંથી કોક હીરલાને એમાં રસ પડે અને ઉંડુ ડોકિયું કરે. એ વિચાર અમુક વર્ષો સુધી ઘૂંટાતો ગયો અને પછી એક નક્કર વિચાર ઉપર કામ કરવાનું શરૂ કર્યું કે માત્ર ગુજરાતી ભાષાનાં ગીતોને, ગ્લોબલ સાઉન્ડ્સ સાથે, યુવાનોને સંભાળવું ગમે, એમને સમજાય અને યુવાનોને બધી જ પ્રકારના મ્યુઝિક એરેન્જમેન્ટ્સ સાથે આપણા ગીતોનો એક અલગ પ્રકારનો કાયમ સંભારણું બની જાય એવો ઓડિયો-વિઝ્યુલ અનુભવ આપવો છે. પછી મુંબઈમાં વસતાં મારા પરમ મિત્ર અને ખુબ સારા સંગીતકાર મિત વ્યાસ સાથે આ કોન્સર્ટના મ્યુઝિક ડિઝાઈનિંગની વાત અને શરૂવાત કરી. પણ પહેલેથી એક જીદ હતી કે ફોક-ફ્યુઝન બેય નોખા નોખા રેય એમ નહિ, પણ જેમ દૂધમાં સાકર ભળી જાય એવી રીતે આપણા ગુજરાતી ફોક મ્યુઝિકને ફ્યુઝન અરેન્જમેન્ટ્સ અને સાઉન્ડ્સ સાથે ભેળવી દેવું; અને તેમ છતાં ક્યાંય આપણા સાહિત્ય-સંગીતની ગરિમાને ઊની આંચ નો આવે, એના ગાલ ઉપર ઉઝરડાં નો પડે.
3E વિઝન સાથે આ કોન્સર્ટને ઊભો કરવો એ નક્કી થયું: Educate, Evoke ane Entertain.
Educate: હું એવું માનું છું કે લોક-સંગીત લોકોમાંથી આવે છે, હવે લોકોમાંથી કાંઇક કલાકૃતિ ત્યારે જન્મતી હોય જ્યારે એની પાછળ કાંઇક એવી વાત કે ઘટના કે વ્યક્તિ જોડાયેલી હોય. હવે જ્યાં સુધી તમે આપણી યુવાપેઢી, કે જે ગુજરાતી ભાષામાં ભણી જ નથી, એમને કોઇ લોકગીત પાછળની સત્ય ઘટના કે વાત કહેશો નહીં ત્યાં સુધી એ ગીતનું કે એ વાતનું મૂલ્ય નહિં સમજાય. અને એ મૃગલામાં છુપાયેલ કસ્તૂરી જેવા જીવનની સુવાસ નહીં અનુભવાય.
Evoke: જેવી તમે કોઇ લોકગીત કે ગીત પાછળ રહેલી વાત કે સ્ટોરીથી કોઈને માહિતગાર કરો, એટલે એમનામાં એ વાત પાછળનો Emotion Evoke થાય. ઈ વાત અને ગીત એને વધારે નજીકથી – ઊંડાણથી સ્પર્શે. દા.ત. કોઇ વીર રસની વાત કે ગીત ઈ ભાવ સાથે રજૂ થાય તો સામે રોમે-રોમમાં ઈ વીર રસ પ્રગટી જાય.
Entertain: આ તો મુખ્ય મુદ્દો છે કે મોજ આવવી જોઈએ, વાઈબ આવવી જોઈએ. પણ માત્ર મનોરંજન નહીં, એની સાથે આત્મરંજન પણ હોય તો કલાકાર અને શ્રોતા બંનેને કાંઇક નોખી ભાતની મજા આવે.
The Execution
શરૂવાતના સમયમાં અમે દેશ-દુનિયાનાં વિવિધ સંગીત, એના ઇન્સ્ટ્રુમેન્ટ્સ, એના વિવિધ સાઉન્ડ્સ વગેરે વિશે અભ્યાસ અને અવલોકન શરૂ કર્યું. પછી આપણાં લોકસંગીતના વિવિધ રસને સાંકળીને અલગ અલગ મૂડ પ્રમાણે વિવિધ ઈન્સ્ટ્રુમેન્ટ્સનો ક્રિએટિવ રીતે ઉપયોગ કરીને એક પછી એક ગીતોનું ડિઝાઈનિંગ શરૂ કર્યું, અને મિત વ્યાસે ખૂબ મહેનત કરીને આખા કોન્સર્ટનું મ્યૂઝિક અરેન્જ કર્યું. મેં પહેલેથી જ જોયું અને અનુભવ્યું છે કે, જ્યારે પણ તમે કોઇ સારા વિચાર સાથે કોઇ અજાણ્યા માર્ગ પર નીકળી પડો તો તમારી જેવા અનેક મિત્રો તમારી સફરમાં સાથે જોડાતા જાય, અને પછી તમારો વિચાર કે વિઝન તમારું નથી રહેતું, એ બધાનું થઈ જાય છે. એકાદ વરસની અથાગ મહેનત, મુંબઈના અગણિત ધક્કા, અને ખુબ મોજ અને મસ્તી પછી અમે આખા શોનું રેકોર્ડિંગ શરુ કર્યું. YRF Studios મુંબઈ ખાતે અમે રિધમ અને મેલોડી સેક્શનનું રેકોર્ડિંગ કર્યુ.

સાથે સાથે મારા બીજા પરમ મિત્ર અને ખુબ સારા ડિઝાઈનર વિવેકભાઈ ઘોડાએ મ્યુઝિક પ્રમાણે ગ્રાફિક્સ અને વિઝ્યુલ્સનું કામ શરૂ કર્યું. જેવી વાત, જેવો ભાવ, અને જેવું સંગીત એ મુજબનું LED and Light Production નો એક અલગ એક્સપિરિયન્સ ક્રિયેટ થયો.
પછી વાત આવી કે આ કોન્સર્ટને ઓપન કયા કરવો? પહેલી વખત રજૂ કયાં કરવો? કે જ્યાં મોટી સંખ્યામાં યુવાનો આવે, વાઈબ કરે અને કોન્સર્ટ જેવો કોન્સર્ટ એક્સપિરિયન્સ મળે! તો અમદાવાદ ખાતે ૨૮ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ – Hungrito Food Festival 7.0 માં આ અવસર સાંપડ્યો અને – RA Live Folk Concert પહેલી વખત પરફોર્મ કર્યો. જેમ દસમા કે બારમા ધોરણ બોર્ડનો વિદ્યાર્થી પેપર આપે અને ૨-૩ કલાકના પેપર ઉપર ૧-૨ વરસની મહેનત હોય એમ અઢી-ત્રણ વરસની મહેનત અને આ શિખર તરફનું પહેલું પગથિયું ચડવાનો હરખ ય હતો અને એનાથી વધારે નર્વસનેસ. કારણકે લોકડાયરાના સ્ટેજ ઉપર ભલે ગમે એટલો અનુભવ હોય, પણ કોન્સર્ટ વસ્તુ જ અલગ છે. અહીંયા હજારો લોકો સામે ઊભા છે અને માહોલ જ અલગ છે. પણ લોકોએ આ પ્રયાસને આ કોન્સર્ટને વધાવી લીધો.
The Global Step
પહેલા કોન્સર્ટ પછી ઘણા બધા સુધારા વધારા કર્યા. સમય પ્રમાણે સાઉન્ડ્સને અપગ્રેડ કર્યા, અને ટૂંકમાં અમે કામ કરતા રહ્યા. અને પછી વાત આવી UK ની ધરતી ઉપર પહેલો ગુજરાતી કોન્સર્ટ પર્ફોર્મ કરવાની. જે અંગ્રેજોની જેલમાં મેઘાણીએ ભારતના વીરોના કસુંબલ રંગની ગાથા ગાઈ, ગીતો લખ્યા, ઈ આપણી માટીની સુવાસ એની ધરતી ઉપર લઇ જવાનો અને UKમાં આ રીતે ગુજરાતને ગાવાનો અનુભવ મજાનો રહ્યો. અંગ્રેજોના શાસનમાં એમની કોર્ટમાં એમના અધિકારીની સામે લાલ આંખ કરનાર અને સલામ નહીં ભરનાર મૂળુ માણેકનું ના-છડિયા હથિયાર ગીત ઉપર અંગ્રેજોને નાચતા જોઈને મોજનાં તોરા છુટી ગ્યા.
ત્યાર બાદ બીજી વખત અમદાવાદમાં Hungrito Food Fest 8.0 માં બીજા વર્ષે ડબલ એનર્જી અને વાઈબ સાથે કૉન્સર્ટ પરફોર્મ કર્યો. અને હજારોની સંખ્યામાં પધારેલા શ્રોતાઓને ખૂબ પ્રેમ અને આશીર્વાદ આપ્યા.

અને હવે આ કોન્સર્ટની અમે Aug-2026 માં USA Tour કરવા જઈ રહ્યા છીએ. છેલ્લે વર્ષ-2015 માં હું અમેરીકામાં અલગ અલગ 12 રાજ્યોમાં લોકડાયરો પ્રસ્તુત કરવા ગયો હતો. પણ આ કોન્સર્ટના માધ્યમથી આપણા લોકસંગીતને અલગ અને અદ્ભુત રીતે અમેરિકાના ગુજરાતીઓ (અને ધોળીયાઓ પણ ખરા હો!) અને ખાસ આપણા યુવાનો સુધી પહોંચાડવાનો ઉમળકો અને ઉત્સાહ કાંઇક નોખી ભાતનો છે.
છેલ્લે, રાજેન્દ્ર શુક્લ દાદાના શબ્દોમાં એટલું જ કહીશ કે:
આ અહીં પહોંચ્યાં પછી આટલું સમજાય છે, કોઇ કંઇ કરતું નથી, આ બધું તો થાય છે!
જય જય ગરવી ગુજરાત. જય હિન્દ.
