અરબી સમુદ્રમાં ઉતરેલો આ પ્રદેશ ક્યારેય મને પ્રવાસનની જાહેરાત જેવો નથી લાગ્યો. કટાર જ લાગ્યો છે. સૌરાષ્ટ્ર એ માત્ર એક દ્વીપકલ્પ નથી, એ તો આખા એશિયાની અટારી છે. જ્યાં એશિયા ખંડ અરબસ્તાન, ઈરાન અને આફ્રિકા સામે જોવા માટે ઊંચો થઈને ઊભો છે, એ આ ભૂમિ છે. અને એ અટારીએથી એક હથિયાર લટકે છે – આ કોઈ કમરપટ્ટો કે ઘરેણું નથી, આ તો માતૃભૂમિની કમરે મજબૂત રીતે કસેલું, ધારદાર અને સજ્જ એવું શસ્ત્ર છે.
કવિ શ્રી ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ – સૌરાષ્ટ્રના ભક્ત-વિદ્વાન કવિ – એ આ કવિતામાં સૌરાષ્ટ્રનું માત્ર વર્ણન નહીં પણ સમગ્ર દર્શન કરાવે છે.
પ્રૌઢ સિંધુ પરે ઝૂકતી પશ્ચિમે
મધ્યમાં એશિયાની અટારી
હિંદ દેવી તણી કમર પર ચમકતી
દ્રઢ કસી તીક્ષ્ણ જાણે કટારી
પ્હાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા
ગર્જતી જલનિધિગાનસરણી
ભારતી ભોમની વંદું તનયા વડી
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી
કવિ જ્યારે આ ભૂમિને હિંદ દેવીની કમરે બાંધેલી કટારી કહે છે, ત્યારે એ આપણી ભૌગોલિક ઓળખને વીરત્વ સાથે જોડી દે છે. અહીંના પહાડો એ માત્ર પથ્થરોના ઢગલા નથી, પણ ઉન્નત મુખે આપણી કીર્તિ ગાતા સાક્ષીઓ છે –
નેક, ટેક (અને) ધરમની, જ્યાં પાણે પાણે વાત;
સંત સુરા નિપજાવતી, અમારી ધરતીની અમીરાત.
તથા ‘જલનિધિગાનસરણી’ – દરિયો જ્યારે ગર્જના કરે છે ત્યારે એ મોજાંનો અવાજ નથી, એ તો આ ધરણીનું પોતાનું ગીત છે, એનું ગાન છે.
સૌરાષ્ટ્રની પ્રભાત એટલે માત્ર સૂર્યોદય નથી, પણ એ તો પૂર્વ દિશાની પ્રાચીનું મુખ ઉઘડવું છે. અરુણ જ્યારે આ ધરતીના ઉદરમાંથી પ્રગટે છે, ત્યારે રત્નાકર એને વધાવવા માટે સોનાના મહેલ જેવી કનકહમ્ય સંધ્યાઓ રચે છે. આ સૂર્યનો સત્કાર એ એક પવિત્ર વિધિ છે.
ઉદરમાં અરુણને ધારતી ઊજળી
પ્રાચી જ્યાં ખીલતી પરમ રમ્ય
પ્રિય પતિ ભાનુ સત્કારવા જલધિ પર
નિત્ય સંધ્યા રચે કનકહમ્ય
અનિલની લહર ચૈતન્ય પ્રસરાવતી
બલવતી શરીર સંતાપ હરણી
ભારતી ભોમની વંદું તનયા વડી
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી
આ ધરતીની નારીને હું એના ઘૂંઘટથી નહીં, પણ એ ઘૂંઘટ પાછળ રહેલા એના તેજથી ઓળખું છું. “સજલ ધનરાજીમાં ઝબૂકતી વીજ શી / ઘૂંઘટે ચમકતી સલજ્જ રમણી.” અહીં ઘૂંઘટ એ કાંઈ સંતાઈ જવાની મર્યાદા નથી, પણ એ તો આકાશના એ કાળા વાદળ જેવું છે જે વીજળીને વધારે દેખીતી અને ધારદાર બનાવે છે. વાદળ વિખરાય એ પહેલાં જ તમને ખબર હોય કે ભીતર વીજળી તગતગે છે, એ જ તો આ સ્ત્રીનું ખમીર છે. “પાણી જ્યાં આકરા મરદની મૂછના” – જો અહીંના મરદ એને ઘડનારા આકરા પાણી જેવા હોય, તો અહીંની સ્ત્રી એ જળ ભરેલા વાદળામાં છુપાયેલી વીજળી છે.
રસિક હૈડાં લસે મર્મ મુખમંડળે
માનવી મીઠડાં પ્રેમભીનાં
પાણી જ્યાં આકરા મરદની મૂછના
લલિત લાવણ્ય જ્યાં સુંદરીનાં
સજલ ધનરાજીમાં ઝબૂકતી વીજ શી
ઘૂંઘટે ચમકતી સલજ્જ રમણી
ભારતી ભોમની વંદું તનયા વડી
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી
હ્રદય ગૌરવભર્યા રૂધિરથી ધબકતાં
હબકીને કદી ના હામ તજતાં
નાકને કારણે શૂર નરનારીઓ
હર્ષથી મૃત્યુના સાજ સજતાં
શિર સાટે મળે મૈત્રી મોંઘી જહાં
પૂર્ણ આતિથ્યની પ્રેમઝરણી
ભારતી ભોમની વંદું તનયા વડી
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી
ભગર ભેંશો વડી હાથણી જેવડી
ધેનું જ્યાં સિંહ સન્મુખ ધસતી
ઘોડીઓ માણકી તીખી તાજણ સમી
જાતવંતી ઘણી જ્યાં નીપજતી
યુદ્ધમાં અડગ ત્રમજુટમાં ના હટે
વેગવંતી દીસે ચપળ હરણી
ભારતી ભોમની વંદું તનયા વડી
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી
આ ધરતીના પશુઓમાં પણ જે ખમીર છે એનું વર્ણન જુઓ. હાથણી જેવડી ભેંસો અને સિંહની સામે પણ ડર્યા વગર ધસતી ગાયો – આ કોઈ અતિશયોક્તિ નથી, પણ આ નેસડાની વાસ્તવિકતા છે.
કાઠી ખસીયા વસ્યા શૂર રજપૂત જ્યાં
મેર આહીર ગોહિલ વંકા
ખડગના ખેલની રંગભૂમિ મહીં
જંગના વાજતા નિત્ય ડંકા
સિંધુડો સૂર જ્યાં ભીરૂને ભડ કરે
ધડુકતા ઢોલ ત્રાંબાળુ ધણણી
ભારતી ભોમની વંદું તનયા વડી
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી
આ કવિતા જ્યારે કાઠી, ખસીયા, રજપૂત, મેર, આહીર અને ગોહિલના નામ લે છે, ત્યારે એમને માટે એક જ શબ્દ વાપરે છે: “વંકા.” આ કોઈ બહાદુરીના વખાણ નથી કે પરંપરાની સ્તુતિ નથી, પણ આ પ્રજાનો ઈતિહાસ અને વાસ્તવિકતા છે – વંકા એટલે હઠીલા નહીં, પણ એવા જે ક્યારેય નમે નહીં. અને સાથે ‘સિંધુડો’ રાગ જ્યારે ત્રાંબળું ઢોલ સાથે રેલાય, ત્યારે એ કાયર માણસના રોમેરોમમાં પણ વીરરસ પ્રગટાવી દે છે.
યુદ્ધ ઘમસાણ જ્યાં કૈંક જામ્યાં અહા
મરદના વચનની ટેક માટે
નિત્ય તૈયાર જમદૂત શા જંગમાં
જન્મભૂમિ તસુ એક સાટે
શત્રુ હો મિત્ર કે બંધુ સંગાથ પણ
ક્ષત્રિવટ ઊજળી એકવરણી
ભારતી ભોમની વંદું તનયા વડી
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી
વૈર વેંડારવા કારમાં તો ય જ્યાં
અભય વીરવદન પર શૌર્ય હસતાં
વૈરી સ્વાગતે ધન્ય જ્યાં માનવી
આપવા શિર સન્મુખ ધસતાં
મસ્તી સમી શુદ્ધ મરદાનગી કુલીનતા
મરદને જ્યાં કરી પ્રેમ પરણી
ભારતી ભોમની વંદું તનયા વડી
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી
જોગીદાસ ખુમાણ અને ભાવનગરના ઠાકોર વજેસિંહ – આજીવન વેર, કુંડલા ગામ માટેનું બહારવટું. વજેસિંહના દીકરા દાદભા ગુજરી ગયા ત્યારે જોગીદાસને થયું કે મારે ‘ખરખરો’ કરવા જવું છે. સાથીઓએ ના પાડી છતાં જોગીદાસ ગયા. દરબારગઢમાં તલવારો પણ ખેંચાઈ ગઈ, ત્યારે વજેસિંહે જ એમને રોક્યા અને બોલ્યા – “આ માણસ આજ મારા દુઃખમાં ભાગ પડાવવા આવ્યો છે, ખરખરો કરવા આવ્યો છે – આ ઘડીએ એ મારો વેરી નથી.”
વર્ષો વીત્યા, અને જ્યારે જોગીદાસના પિતા હાદા ખુમાણ વીરગતિ પામ્યા, ત્યારે ઠાકોર વજેસિંહે દુશ્મનના બાપનું શ્રાદ્ધ પોતે કર્યું. અને મોટા દિકરાની બધી જ જવાબદારી પૂરી કરી – આ ખાનદાની.”
એ જ જોગીદાસ, જેની દુશ્મનાવટ ભાવનગર સાથે હતી – એ જ જોગીદાસ, વજેસિંહનાં પત્ની નાનીબા ઉપર ખોટી ઉઠાવેલ આળ સામે ઊભા રહ્યા, અને એ રસાલાને ભાવનગરની સરહદ સુધી સ્વયં વળાવ્યો. ક્ષત્રિવટ ઊજળી એકવરણી – એ એક જ રંગ છે. દુશ્મનાવટ અને ખાનદાની, બેઉ.
વિકટ ગિરિ ગવહરે વાઘ સિંહો રહે
ગજવતા જંગલોને હૂંકારે
માનભંગે થઈ મરણિયા આથડે
બહારવટિયા ભડવીર ભારે
શૌર્યગીતો અહા ગુંજતી એહના
ઘૂઘવે ઘેલી સરિતા ડુંગરની
ભારતી ભોમની વંદું તનયા વડી
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી
આ ધરતી કૂણી નથી, આકરી છે. અહીંના પહાડો મંદિરોને મુકુટની જેમ શિરે ધરીને આકાશને ગજવે છે, કારણ કે આ માટી પથ્થરને પણ ઉર્ધ્વગતિ આપે છે.
કડક ધરતી જહાં ખડકની આકરી
ડુંગરા ડુંગરી ને કરાડો
મુકુટ શા મંદિરો ગાજતાં શિર ધરી
ગજવતા ગગન ઊંચા પહાડો
ગીર ગોરંભતી ગાય જ્યાં નેસમાં
ખડકતી દૂધની પિયૂષઝરણી
ભારતી ભોમની વંદું તનયા વડી
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી
પણ આ જ કઠણ ધરતી પાછી મા જેવી પોષક પણ છે. ગીરની ગાયોનું દૂધ, નાઘેરના લીલાછમ આંબાવાડિયા અને દરિયાની શીતળ લહેર – આ વિરોધાભાસ નથી, આ જ સૌરાષ્ટ્ર છે.
ધાવીને દૂધ મજબુત ધરણી તણાં
પાક પૌષ્ટિક જ્યાં વિવિધ પાકે
મઘમઘે પુષ્પ મકરંદ ભમરા પીએ
કોયલો ગાન ગાતી ન થાકે
લીલીકુંજાર નાઘેર શી ભોમકા
લ્હેર જ્યાં સિંધુની શાંતિકરણી
ભારતી ભોમની વંદું તનયા વડી
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી
જૈનોના પવિત્ર પર્વત શત્રુંજયથી ઉડીને સૂર્ય જ્યારે ગિરનારના નાથ શિખર પર પોરો ખાય છે, ત્યારે એ કોઈ ખગોળીય ઘટના નથી લાગતી. કવિ એને એક અદભૂત પંખી તરીકે જુએ છે. અને જ્યારે સાંજ પડે અને પશ્ચિમમાં લાલાશ છવાય, ત્યારે કવિની નજરે આ ધરતી એક નારી છે જેણે કપાળમાં સિંદૂરનો ‘ચાંદલો’ ચોડ્યો છે.
આવી શત્રુંજયે જાય ગિરનાર પરે
અનખ પંખી સમો સૂર્ય વ્યોમે
ગહનતલ ઘુમટથી ઝળકતાં એમના
પિચ્છ વેરાય અગણિત ભોમે
પશ્ચિમે અસ્તમાં શોભતી ક્ષિતિજ શી
ચાંદલો ચોડીને ભાલ ધરતી
ભારતી ભોમની વંદું તનયા વડી
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી

દ્વારિકા કનકની દુર્ગપુરી જહાં
કૃષ્ણની કીર્તિદીપ્તિ પ્રકાશે
યાદવી યુદ્ધના સ્મરણ પ્રાચીન જ્યાં
સંઘર્યાં સિંધુતટમાં પ્રભાસે
સ્વામિનારાયણે ધર્મ સંસ્થાપીને
શીખવી ભક્તિ નિષ્કામ કરણી
ભારતી ભોમની વંદું તનયા વડી
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી
ભક્ત નરસિંહ જ્યાં નાચિયો નેહમાં
સંપદા પામીયો જ્યાં સુદામો
વીર ગાંધી દયાનંદ જ્યાં નીપજ્યા
સતી અને સંતનો જ્યાં વિસામો
ગામે ગામ ઊભા સ્થંભ પોકારતા
શૂરના ગુણની ગાથા વરણી
ભારતી ભોમની વંદું તનયા વડી
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી
કૃષ્ણની સોનાની નગરી દ્વારિકા, નરસિંહનો કરતલનો નાદ, ગાંધીની અહિંસા અને દયાનંદ સરસ્વતીનું વૈદિક તેજ – આ બધું જ આ જ માટીમાં પાક્યું છે. નાઘેરની આ ધરણી એ જ ગાંધીજી જેવા વીરો આપ્યા. અહીં ગામડે-ગામડે ઉભેલા પાળિયા એ માત્ર સ્મારકો નથી, પણ એ તો ભૂતકાળના શૂરવીરોની આજેય સંભળાતી હાકલ છે. સંત અને શૂરવીર અહીં એક જ શ્વાસે જન્મે છે.

આખી કવિતામાં આપણે સૌરાષ્ટ્રનો ભૂગોળ જોયુ, સ્ત્રીઓ જોઈ, યોદ્ધાઓ જોયા, પશુ-પક્ષી અને સંતો જોયા. પણ કવિ આ બધી યાત્રાને રોકે છે ક્યાં? છેલ્લો વિસામો કયો? દુહો.
દુહાને કવિએ “સુ-ચરણ” કહ્યો છે. ‘સુ-ચરણ’ એટલે જેના પગ બહુ સુંદર છે, જે બહુ સારી રીતે ચાલી શકે છે. ચાર વેદ તો આશ્રમોમાં રહ્યા, પંડિતોના સંસ્કૃત ઉચ્ચારોમાં સચવાયા અને મોટા-મોટા ગ્રંથાલયોમાં પુરાઈ રહ્યા. પણ આ “પંચમો વેદ” એટલે કે સોરઠી દુહો – એને તો પગ આવ્યા; પાંખુ આવી. એ વિદ્વાનોની સભામાંથી ચાલતો-ચાલતો ખેડૂતના ખેતર અને માલધારીના નેસ સુધી અને છેક સાત સમંદર પાર વિદેશ પહોંચી ગયો છે. એને કોઈ ડિગ્રીની જરૂર નથી પડી, એને કોઈ યુનિવર્સિટીની મંજૂરી નથી જોઈતી. એ તો બસ લોકકંઠે રમીને સદીઓ કાપી જાય છે.
ભક્તિને શૌર્યને રંગે રોળાઈ જ્યાં
ગુર્જરી ગુણગંભીર ગીરા
ગીતસાગર મહીં મસ્ત એ મલપતી
અલપતી મધુર આલાપ ધીરા
ભાટ ને ચારણો ભભકતા કવિત જ્યાં
પંચમો વેદ દુહો સુચરણી
ભારતી ભોમની વંદું તનયા વડી
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી



