ગુજરાત — ક્યાં ક્યાંથી આવ્યા આ ગીતો, આ વાર્તાઓ, આ વારસો?

લોકગીતનો કોઈ એક રચયિતા નથી હોતો, એ તો આખા લોકસમૂહનું સર્જન છે. આ વાત મે જ્યારે પહેલીવાર રઢિયાળી રાત માં વાંચી ત્યારે મનમાં એક સવાલ ઊઠ્યો કે જે ગીત સાથે કોઈ નામ ન જોડાયેલું હોય, જેનો કોઈ ચોક્કસ સર્જક ન હોય, એ આટલી સદીઓ સુધી ટકી કઈ રીતે શકે? આપણે ત્યાં તો જેનું નામ હોય એની જ કિંમત હોય છે, પણ લોકસાહિત્યમાં તો નામનો અભાવ જ એની સૌથી મોટી મૂડી છે. લોકગીત બેનામ છે એટલે જ એ સાર્વજનિક છે. એ કોઈ એકના માલિકી હક્કની જાગીર નથી, એટલે જ એ દરેકના ઉંબરે અને દરેકના ગળે ગૂંજી શકે છે. ઝવેરચંદ મેઘાણી ને મેં ઘણાં ઊંડાણથી વાંચ્યા છે અને દર વખતે એક નવી જ દ્રષ્ટિ આપે છે. આ કોઈ સામાન્ય કવિતા નથી, આ તો પેઢી દર પેઢી વહેતી એક અવિરત સરવાણી છે જે કોઈ યશ લીધા વગર આપણા લોહીમાં ભળી ગઈ છે.

આ વાત બહુ ઊંડી છે. જૂની છે. અને ગજબની રળિયામણી છે.

લોકસાહિત્ય એટલે ખરેખર શું?

એક ફિલ્મી ગીત અને એક લોકગીત — બંને ગળામાંથી જ જન્મે છે, પણ ત્યાં જ એમની સમાનતા પૂરી થાય છે. ફિલ્મી ગીતનો એક ગીતકાર હોય, એક સંગીતકાર હોય, એક સ્ટુડિયો અને એનો copyright હોય. એ આ ક્ષણે, આ ક્ષણ માટે બન્યું છે. જ્યારે લોકગીતનો ન કોઈ ગીતકાર છે, ન કોઈ સ્ટુડિયો કે ન કોઈ copyright. બસ — એક ગળું. પછી બીજું ગળું. ને પછી ત્રીજું.

કોઈ એક સ્ત્રીએ ક્યારેક પોતાની પીડા કે હરખ મુજબ એક કડી લલકારી. બીજી સ્ત્રીએ એમાં પોતાનો ભાવ ઉમેરી એક શબ્દ બદલ્યો. ત્રીજીએ એના ગામ અને ઋતુ મુજબ એમાં સુધારો કર્યો. આમ સો વર્ષ, પાંચ ગામ ને વીસ ગળાં વટાવીને એ ગીત જ્યારે આપણી પાસે પહોંચે ત્યારે એ ગીત નહીં, પણ એક જીવતી જાગતી પરંપરા બની ગયું હોય છે. નદી ક્યાંથી બની? પહેલું ટીપું કયું હતું? એ પૂછવાનો કોઈ અર્થ નથી. નદી બનવાની પ્રક્રિયા એ જ નદી છે. લોકગીતનું પણ એવું જ છે. ઝવેરચંદ મેઘાણી એ ગામડે ગામડે ભમવામાં ઘણા વર્ષો ગાળ્યા. જ્યાં ચારણ અને બારોટ દુહા-છંદ લલકારતા ત્યાં એ બેસતા. બહેનો ભેળી થઈને ગાતી હોય ત્યાં બહુ ધ્યાનથી સાંભળતા, એને ટપકાવતા, સમજતા. ‘સૌરાષ્ટ્રની રસધાર’ એમાંથી જ બની. ઝવેરચંદ મેઘાણી એ લખ્યું છે કે ગુજરાતી લોકસાહિત્ય તો એક એવી ડોશીમા જેવું છે, જેણે પોતાની ફાટેલી ગોદડીના થિગડાંમાં પ્રાચીન અને અમૂલ્ય મોતી સાચવી રાખ્યા છે. આ થિગડાં એટલે જ આપણો સાચો ઈતિહાસ.

ગુજરાતની વૈવિધતા

“ગુજરાતી” — એનો ખરો અર્થ શું? રબારી, ચારણ, ભીલ, કોળી, ભરવાડ, આહીર, મેર, રાજપૂત — આ બધા જ ગુજરાતી. પણ આ બધાય અલગ અલગ જગ્યાએથી આવ્યા. દરેકના દેવ અલગ, દરેકના ગીત અલગ, દરેકની તવારીખ અલગ. ગુજરાત ક્યારેય એક ચોક્કસ બીબામાં ઢળેલું નહોતું. એ તો મિલનનું ધામ હતું. ઉત્તરમાંથી રાજપૂતો આવ્યા, એમની સાથે મેર અને આહીર આવ્યા. સૌરાષ્ટ્રના નેસડાઓમાં રબારી, ચારણ ને ભરવાડ સ્થાયી થયા — માલધારીઓ જે ગાયું-ભેંસું ચારે ને રાત પડે હેલારા લે. દરિયાકાંઠે ભીલ, કોળી અને ખારવા વસ્યા. દરેક કોમ પોતાની સાથે કંઈક લઈને આવી — પોતાનો ઢાળ, પોતાની વાર્તાઓ, પોતાના દેવ. ગુજરાતની ભોમિકાએ આ બધાને પોતાનામાં ઓગાળી લીધા.

અહીં ચારણોનો ઉલ્લેખ ખાસ કરવો પડે. ચારણો એટલે લોકજીવનના memory-keeper. કોઈ કાગળ નહીં, કોઈ લાઈબ્રેરી નહીં. બસ, એક ગળું. શૂરવીરોની સાથે રણમેદાનમાં જાય, યુદ્ધ નજરે જુએ, ઘટનાઓને છંદોમાં કંડારે અને પેઢી દર પેઢી એને કંઠસ્થ રાખીને જીવતી રાખે. બારોટોએ વંશાવળીઓ સાચવી. આખી સભ્યતાનો ઈતિહાસ પુસ્તકોમાં નહીં, પણ જીવતા માણસોના શરીરમાં સચવાયો. વલ્લભી વિદ્યાપીઠની વાત પણ અહીં યાદ કરવી ઘટે. મૈત્રક કાળમાં, આજના ભાવનગર પાસેનું આ વલ્લભી જ્ઞાનનું એવું કેન્દ્ર હતું જેની તુલના નાલંદા સાથે થતી. આખા એશિયામાંથી પંડિતો અહીં ભણવા આવતા. એટલે ગુજરાતની ધરતી પર એક બાજુ આવું ઊંચું શાસ્ત્રીય જ્ઞાન અને બીજી બાજુ તળપદું લોકસાહિત્ય — બંને સાથે ઉછર્યા. કોઈએ કોઈને દબાવ્યા નહીં.

Blog Infographic 1

ગીત ક્યારે જન્મે છે?

જ્યારે પારણું ઝૂલે ત્યારે. ઝવેરચંદ મેઘાણી એ ‘રઢિયાળી રાત’ ની પ્રસ્તાવનામાં લખ્યું છે — “આ પૃથ્વી ઉપર નવજાત શિશુના કાને જે પહેલી જ વસ્તુ પહોંચે છે, તે માતાના મોઢામાંથી સરતું ગીતનું અમૃત છે.” પારણું હલ્યું ને ગીત જન્મી ગયું. હવે આપણે ગુજરાતી લોકસંગીતને સમજવા માટે પ્રયત્ન કરીએ તો ગીતોનું વર્ગીકરણ સંગીતના પ્રકારો મુજબ નહીં — પણ માનવીય સંવેદનાની એ પળ મુજબ થાય છે જે ગીતને જન્મ આપે છે:

Blog Infographic 2

૧. સંસ્કાર ગીત: જીવનના વળાંકો પર ગવાતા ગીત. સીમંતનું ગીત સાતમા મહિને ગવાય — અજવાળું જોયા પહેલાં જ બાળક પોતાનું પહેલું ગીત સાંભળે છે. જન્મ, નામકરણ, જનોઈ, લગ્ન — દરેક સંસ્કારનું પોતાનું સંગીત છે.

૨. વિવાહ ગીત: લગ્નગીતો તો આખી એક દુનિયા છે. કોઈ એક લગ્નગીત ન હોય, વિધિએ વિધિએ ગીત બદલાય. માંડવો રોપાય ત્યારે માંડવાનાં ગીત, વરરાજા નીકળે ત્યારે ફટાણાં, ગોરાં ગીત અને જ્યારે દીકરી વિદાય થાય ત્યારે એ કાળજા કોરી નાખે તેવી વિદાયની વેદના. ઝવેરચંદ મેઘાણી એ ‘રઢિયાળી રાત’ માં સૌરાષ્ટ્રની સ્ત્રીઓ પાસે બેસીને આવા સેંકડો ગીતો એકઠાં કર્યા. આપણા લગ્નગીત એ વિધિનો શણગાર નહોતું — પણ ગીત પોતે જ એક વિધિ હતી.

૩. ઋતુ ગીત: મોસમના ગીતો. જ્યારે તપેલી માટી પર પહેલો વરસાદ પડે છે, ત્યારે ખેડૂત ઊંડો શ્વાસ લે છે. એ શ્વાસમાં જ ઋતુગીત વસે છે. પ્રકૃતિને વધારે સુગંધ આપીને પ્રસરાવતા આ બારે બાર માસનાં અને દરેક ઋતુઓનાં નોખા નોખા ગીતો જોવા મળે.

૪. ધાર્મિક ગીત: ભજન, ગરબા, માતાજીના છંદ કે કૃષ્ણની લીલા. ગામના સીમાડે બેઠેલા લોકદેવતાનાં ગીતો પણ અહીં જન્મે.

૫. ઐતહાસિક ગીત: ચારણોએ યુદ્ધો જોયાં અને ઘટનાઓને છંદોમાં ઉતારી. જ્યારે છાપાં નહોતાં — ત્યારે રાસડા સમાચાર લઈને આવતા.

૬. ગૃહજીવનનાં ગીત: ઘરગથ્થુ જીવનના ગીતો. વિરહ ગીત — રાહ જોવાના ગીતો. પતિ દરિયે ગયો છે, ખેતર ખાલી છે, રાત લાંબી છે — ગળું ઊઘડે છે. અને શ્રમ ગીત — કામ ક્યારેય મૌનમાં નહોતું થતું. દરજી સીવતા સીવતા ગાતા, ઘાંચી પોતાના બળદને ગીતથી હાંકતો, પથ્થર કૂટનારા ગાતા ગાતા પથ્થર કૂટતા. કામનો લય એ જ ગીતની લય બની જતો.

૭. કોમનાં ગીત: જાતિની ઓળખના ગીતો. ખારવાનાં ગીતોમાં દરિયાના મોજાંનો લય છે. ભીલ-કોળીના ગીતોમાં વગડાનો તાલ છે. ચારણી સાહિત્યમાં ઈતિહાસનું વજન છે.

ગર્ભથી લઈને અગ્નિસંસ્કાર સુધી — દરેક પળે ગળું ખૂલ્યું છે. એટલે નહીં કે લોકો કલાકાર હતા, પણ એટલે કે ગળું એ જ એમનું એકમાત્ર સાધન હતું.

કંઠથી કંઠ

આ હજારો લગ્નગીતો, આ વિરહની વેદનાઓ, આ હાલરડાં — આ બધું ટક્યું કેવી રીતે? કોઈ ચોપડી નહોતી, કોઈ સંગીતની લિપિ નહોતી, કોઈ રેકોર્ડિંગ નહોતું. બસ: એક ગળું અને પછી બીજું ગળું. કંઠસ્થ પરંપરા. ગળામાં જીવતું જ્ઞાન. લાઈબ્રેરીમાં નહીં, પણ શરીરમાં. ઝવેરચંદ મેઘાણી જ્યારે ગામેગામ ભમ્યા, ત્યારે એમને સમજાયું કે ગીત કોઈ મકાનમાં નથી. એ તો એમની પોતાની બામાં હતું, જેણે ચાળીસ વર્ષ પહેલાંનો રાસડો યાદશક્તિથી લખાવ્યો હતો. એ ગીત એવી વૃદ્ધાઓમાં હતું જેમની પૌત્રીઓ કદાચ ભૂલી ગઈ હોય પણ એમને હજી આખેઆખું કંઠસ્થ હતું.

ઝવેરચંદ મેઘાણી એ લખ્યું છે: ગુજરાતી લોકસાહિત્ય એક “એવી ડોશીમા જેવું છે જે નાની નાની ચીંથરીઓમાં સનાતન કિંમતી વસ્તુઓને જાળવીને બેઠી છે.” બહારથી ચીંથરેહાલ, પણ ભીતર — સદીઓ. એક હસ્તપ્રત સળગી જાય, પણ જો ગીત પચાસ ગામના સો ગળામાં હોય — તો કોઈ અગ્નિ એને મિટાવી શકે નહીં. જ્યારે ગીત ગળાથી ગળામાં વહે છે, ત્યારે એ બદલાય છે. આને લોકસાહિત્યમાં ‘પાઠાંતરો’ કહેવાય. છાપેલી વસ્તુ થીજી જાય છે, જીવતું ગીત તો જેટલા ગાનારા એટલા એના રૂપ ધરાવે છે. નદી ક્યારેય એક જ પાણી નથી હોતી — પણ પ્રવાહ જ એની અસલિયત છે.

ઝવેરચંદ મેઘાણી એ ‘રઢિયાળી રાત’ ની પ્રસ્તાવનામાં નોંધ્યું છે: રાગ સોરઠ, ગૂજરી, કાફી, ખમાજ, ભૈરવી, પીલૂ — આ બધા જ રાગોના મૂળિયાં પહેલાં લોકઢાળોમાં નખાયાં હતાં. શાસ્ત્રીય સંગીત શાળાએ ગયું, લોક સંગીત ઘરે રહ્યું. પણ ઘર પહેલાં આવ્યું.

તે દિવસે મારા બાળપણમાં જ્યારે ઘરના કોઈ પ્રસંગે બહેનોના સુવાળા કંઠે એ ગીત ઊઠ્યું અને ઓરડામાં કોઈ અલગ જ અનુભૂતિ પ્રસરી ગઈ હતી, હવે મને સમજાય છે કે એ શું હતું. એ કચ્છના માલધારીઓના કંઠેથી પસાર થઈને આવી હતી. એમાં સૌરાષ્ટ્રના દરિયાકિનારાની માછીમાર બાઈઓના ગળાનું ગળપણ હતું. એમાં કાઠિયાવાડની ઘંટીએ દળતી બહેનોના અવાજની ભીનાશ હતી. ઈતિહાસને છંદોમાં કંઠસ્થ કરનારા બારોટો અને ચારણોનું ખમીર હતું. પહેલા વરસાદે ઊંડો શ્વાસ લેતા ખેડૂતનો ઉમળકો અને રાત્રે ત્રણ વાગ્યે પારણું હીંચાવતી માનું વ્હાલ એમાં ભળેલું હતું.

એ બધા જ — અનામી — તે દિવસે એ ઓરડામાં હાજર હતા. ગીતનું કોઈ એક નામ નહોતું કારણ કે એ કોઈ એકનું ગીત નહોતું, એ તો આખા ગુજરાતનું ગીત હતું. અને જ્યારે એ તમારા ગળામાંથી વહે છે, ત્યારે તમે એકલા નથી હોતા – તમારી સાથે આખી સદીઓ ગાતી હોય છે.

RA

Rushabh Ahir is a distinguished artist renowned for blending traditional Gujarati folk music with contemporary Western styles. Starting his musical journey at age 7, he has captivated audiences with soulful renditions, significantly preserving and modernizing Gujarat’s musical heritage.